Tuesday, December 4, 2018

મેરુ તો ડગે જેના || Meru To Dage Jena || Gangasati Bhajan Lyrics

મેરુ તો ડગે જેના મન નવ ડગે પાનબાઈ 
મરને ભાંગી પડે બ્રહ્માંડ રે 
વિપત્તિ પડે તોયે વણસે નહિ
સોઈ હરિજનનાં પ્રમાણજી...મેરુ તો ડગે જેના 

ચિત્તની વૃત્તિ જેને સદાયે નિર્મળી 
ને કરે નહિ કોઈની આશજી 
દાન  દેવે પણ રહે અજાચી 
રાખે વચનમાં વિશ્વાસજી ...મેરુ તો ડગે જેના 

હરખને શોકની આવે નહિ હેડકી 
આઠે પહોર રહે આનંદજી 
નિત્ય રહે સત્સંગમાં ને 
તોડે માયા કેરા ફંદજી ...મેરુ તો ડગે જેના 

તન મન ધન જેને ગુરુજીને અરપિયા 
તેનું નામ નિજારી નર ને નારજી 
એકાંતે બેસી અલખ આરાધે તો 
અલખ પધારે એને દ્વારજી ...મેરુ તો ડગે જેના 

સતગુરુ વચનમાં શૂરા થય ચાલે
શીશ તો કર્યા કુર્બાન રે 
સંકલ્પ વિકલ્પ એકેય નહિ ઉરમાં 
જેને મેલ્યા અંતરના માન રે ...મેરુ તો ડગે જેના 

સંગત કરજો તો એવાની કરજો 
જે ભજનમાં રહે ભરપૂર જી 
ગંગાસતી એમ બોલિયાં પાનબાઈ 
જેના નેણો માં વરસે  ઝાઝા નૂરજી ...મેરુ તો ડગે જેના  

ગંગાસતી ભજન       PanbaiLybricsBhajan
                         



1 comment: